Home> Gujarat
Advertisement
Prev
Next

સરકારે કહ્યું- 'સોલર પેનલથી ખેડૂતો બમણી આવક રળી શકે', જાણો કેવી રીતે

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે હોમટાઉન રાજકોટ ખાતે કિસાન સંમેલનમાં હાજરી આપી. આ દરમિયન અનેક ખેડૂતોને નાની મોટી સહાય કરવામાં આવી. 

સરકારે કહ્યું- 'સોલર પેનલથી ખેડૂતો બમણી આવક રળી શકે', જાણો કેવી રીતે

રાજકોટ: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે હોમટાઉન રાજકોટ ખાતે કિસાન સંમેલનમાં હાજરી આપી. આ દરમિયન અનેક ખેડૂતોને નાની મોટી સહાય કરવામાં આવી. શહેરના હેમુગઢવી હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા જે જે યોજનાઓ અમલી છે અને કામગીરી કરવામાં આવી તે અંગે વિસ્તૃત માહિતી આપી. ખેડૂતોની આવક બમણી કરવી એ રાજ્ય સરકાર અને કેન્દ્રની ભાજપની સરકારનું મહત્વનું વિઝન છે. આ માટે કયા કયા પગલાં લેવાઈ રહ્યાં છે તે અંગે પણ રૂપાણીએ માહિતી આપી. રૂપાણીએ કહ્યું કે ખેડૂતોને સમયસર સારૂ બિયારણ જોઈએ, ખાતર જોઈએ, પાણી અને વીજળી જોઈએ, યુરીયા જોઈએ જે માટે સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. 

fallbacks

ખેડૂત સુખી તો ગામડું સુખી
તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી માને છે કે 'ખેડૂત સુખી તો ગામડું સુખી, ગામડું સુખી તો જ શહેરમાં પૈસા આવે અને શહેર વિકાસ પામે. એ રીતે વિકાસની યાત્રામાં જગતનો તાત કિસાન સંતુષ્ટ બને, સુખી બને એ ચિંતા ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ખેડૂતોની જરૂરિયાતો  અને તે માટે સરકાર દ્વારા થઈ રહેલા પ્રયત્નો પણ તેમણે જણાવ્યાં. તેમણ કહ્યું કે ખેડૂતને ઝીરો ટકા વ્યાજે લોન, પાણીની વ્યવસ્થા, વીજળીની વ્યવસ્થા, ખેડૂત વીજળી વેચતો થાય, ટેકાના ભાવથી ખરીદી થાય, ખેડૂતને પૂરતા ભાવ મળે, ખેડૂતને સારું બિયારણ, ખાતર મળે તે દિશામાં પ્રયત્નો થઈ રહ્યાં છે. ખેડૂતોને ટ્રેક્ટરની સહાયતા, કાંટાળી વાડની મદદ કરાઈ રહી છે. 

લંગડી વીજળી એ કોંગ્રેસની દેન, સરકાર વીજળી માટે સતત પ્રયત્નશીલ
વીજળી માટે પણ નક્કી કરાયું છે. ખેડૂતોને અગાઉ લંગડી વીજળી મળતી હતી. લંગડી વીજળી એ ભૂતકાળની કોંગ્રેસ સરકારની દેન છે. વીજળી સારી ન મળે, મોટરો ઉડી જાય, પંખો બંધ થઈ જાય, ટ્રાન્સફર્મરો ફાટી જાય આપણે બધાએ ભૂતકાળના દિવસો જોયા છે. જ્યોતિગ્રામ યોજના બન્યા બાદ સારી વીજળી 8 કલાક નિયમિત મળે, ટ્રાન્સફર્મરો બળે નહીં, મોટરો રિવાઈન્ડ કરવા ન જવું પડે અને આ રીતે વીજળી અપાઈ. 

આ રીતે ખેડૂત રળી શકે બમણી આવક
સીએમ રૂપાણીએ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે ખેડૂતો કેવી રીતે આવક બમણી કરી શકે. તેમણે કહ્યું કે 'હવે સરકારે નક્કી કર્યું છે કે ખેડૂત વીજળી ખરીદનારો નહીં પરંતુ વેચનારો બને. ખેડૂત પોતે વીજળી ઉત્પન્ન કરે. એટલા માટે સરકારે સ્કાય યોજનાને આજે લોન્ચ કરી દીધી છે. સરકારે ટ્રાયલ બેઝ પર કામ શરૂ કરી દીધુ છે. જેમાં સૂર્ય ઉર્જા માટે ખેતરમાં જ સોલર પેનલ લાગે. સવારે સૂર્ય ઉગે અને આથમે એટલે કે લગભગ 12 કલાક એમાંથી વીજળી ઉત્પન્ન કરે. પોતાને જરૂર હોય એટલી વીજળી વાપરે અને પોતાને જરૂર ન હોય એટલી વીજળી સરકારને વેચી દે. સરકાર તેના પૈસા આપશે. ખેડૂતને ખરા ઉનાળામાં તો ઓછી વીજળી વાપરવાની હોય છે કારણ કે ઉનાળુ પાક ઓછા લેવાય છે. ત્યારે વીજળી ખુબ ઉત્પન્ન થાય અને એ વીજળી સરકારને વેચે.'

રૂપાણીએ કહ્યું કે 'ખેડૂતની આવક બમણી કરવા માટે સરકારે અનેક પગલાં લીધા છે તેમાંનું આ એક મહત્વનું પગલું છે. ખેડૂતને તેમાંથી આવક પણ  થાય અને ખેડૂત વીજળી વેચતો પણ થાય. સવારે 6થી સાંજે 6 સુધી ખેડૂતને નિયમિત વીજળી મળે અને તે વીજળી સરકારને વેચતો પણ થાય એ પ્રકારનું આયોજન આ રાજ્ય સરકારે કર્યું છે. આખા દેશમાં આવું આયોજન કરનાર ગુજરાત પ્રથમ છે. આવનારા દિવસોમાં ખેડૂત સૂર્યઉર્જાથી વીજળી બનાવતો થાય અને એ વીજળી વાપરતો થાય એ દિશામાં પણ આપણે આગળ વધી રહ્યાં છીએ.' 

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More